10 વર્ષ બાદ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવાથી 280 રન દૂર, ટેસ્ટ ડ્રો થશે તો કઈ ટીમને મળશે ખિતાબ?

10 વર્ષ બાદ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવાથી 280 રન દૂર, ટેસ્ટ ડ્રો થશે તો કઈ ટીમને મળશે ખિતાબ?

બીજી ઇનિંગ્સમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા

ભારતીય ટીમે છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં જ જીતી હતી

Image:Twitter

WTCની ફાઈનલ મેચ ટર્નિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે. ચાર દિવસની રમત બાદ ભારતીય ટીમ જીતથી 280 રન દૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે સાત વિકેટની જરૂર છે. ભારતના બે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર છે અને ભારતીય ટીમને આ બંને પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાની અપેક્ષા છે. જો ભારતીય ટીમ આ મેચ ડ્રો કરે છે તો બંને ટીમો સંયુક્ત વિજેતા બની જશે અને ભારતીય ટીમ 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતશે.

10 વર્ષ પહેલા જીતી હતી ICC ટ્રોફી

ભારતીય ટીમે છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં જ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે ભારત પાસે ઇંગ્લેન્ડમાં જ ફરીથી ICC ટ્રોફી જીતવાની તક છે.

અત્યાર સુધી મેચનો હાલ

WTCની ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે સારી શરૂઆત કરી અને 76 રનમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ પછી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે 285 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડના 163 અને સ્ટીવ સ્મિથના 121 રનની મદદથી પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતની 71 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાએ 50 રનની ભાગીદારી કરીને ભારતને પુનરાગમન કરાવ્યું હતું. આ પછી રહાણેએ શાર્દુલ સાથે 100 રનની ભાગીદારી કરીને ભારત તરફથી ફોલોઓનનો ખતરો ટાળ્યો હતો. રહાણેના 89, શાર્દુલના 51 અને રવિન્દ્ર જાડેજાના 48 રનની મદદથી ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 296 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પણ શરૂઆત સારી રહી ન હતી. બંને ઓપનર 24 રનના સ્કોર પર આઉટ થયા હતા. જો કે માર્નસ લાબુશેને 41 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી. અંતે એલેક્સ કેરીના અણનમ 66 રન અને મિચેલ સ્ટાર્કના 41 રનના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે 8 વિકેટે 270 રન બનાવ્યા બાદ ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 44 અને અજિંક્ય રહાણે 20 રને રમી રહ્યા છે. ભારતને જીતવા માટે 280 રનની જરૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ જીતથી સાત વિકેટ દૂર છે.

Leave a Comment